તમને આ લાગુ પડે છે?
- થોડા સમયથી સંભોગ વખતે લિંગમાં પૂરતી કડકાઈ નથી આવતી
- તમે જાતે કોઈ દવા કે નુસખા અજમાવ્યા, પણ ફરક નથી પડ્યો
- શરમને કારણે ડૉક્ટર પાસે જવાનું ટાળી રહ્યા છો
- તમને ડાયાબિટીસ, BP કે કોલેસ્ટ્રોલ છે
પગલું 1: તમારી વાત સમજવી
ડૉક્ટર પૂછે છે કે તકલીફ ક્યારથી છે, કઈ પરિસ્થિતિમાં થાય છે, અને તમને બીજી કોઈ બીમારી, દવા કે વ્યસન છે કે નહીં. આ વાતચીતથી જ ઘણી વાર કારણની દિશા મળી જાય છે.
પગલું 2: સવારની કડકાઈ — એક ઉપયોગી સંકેત
ઘણા પુરુષોને સવારે ઊઠતી વખતે કુદરતી રીતે કડકાઈ આવે છે. જો સવારે કડકાઈ આવતી હોય પણ સંભોગ વખતે ન આવે, તો મન સંબંધિત કારણની શક્યતા વધે છે. જો કોઈ પણ સમયે કડકાઈ ન આવે, તો શરીર સંબંધિત કારણ તપાસવું જરૂરી બને છે. આ માત્ર સંકેત છે — નિદાન ડૉક્ટર તપાસ પછી કરે છે.
પગલું 3: જરૂરી તપાસ
સામાન્ય રીતે બ્લડ શુગર (HbA1c), કોલેસ્ટ્રોલ અને સવારે લેવાતું ટેસ્ટોસ્ટેરોન તપાસવામાં આવે છે. તમારી તકલીફ અને ઇતિહાસ પ્રમાણે ડૉક્ટર બીજી તપાસ પણ સૂચવી શકે છે.
પગલું 4: કારણ પ્રમાણે સારવાર
- શરીર સંબંધિત કારણ: લોહીનો પ્રવાહ સુધારતી દવાઓ, અને ડાયાબિટીસ-BP જેવી બીમારીનું નિયંત્રણ
- મન સંબંધિત કારણ: કાઉન્સેલિંગ — ડર, તણાવ અને પરફોર્મન્સ એન્ઝાયટી ઓછી કરવા
- બંને સાથે હોય: દવા અને કાઉન્સેલિંગ સાથે
એક-બે વખત સંભોગ સારી રીતે થાય, તો આત્મવિશ્વાસ પાછો આવે છે — અને આત્મવિશ્વાસ પોતે સારવારનો ભાગ છે.
જાતે દવા કેમ ન લેવી
ઓનલાઈન કે દુકાનેથી સીધી દવા લેવાથી અસલ કારણ છુપાઈ રહે છે. ડાયાબિટીસ, હૃદયની બીમારી હોય કે બીજી દવાઓ ચાલતી હોય, તો આવી દવા જોખમી પણ બની શકે છે.
ડૉક્ટરને ક્યારે બતાવવું
- થોડા અઠવાડિયાથી તકલીફ ચાલે છે
- ડાયાબિટીસ, BP, હૃદયની બીમારી અથવા તમાકુનું વ્યસન છે
- સવારે પણ કડકાઈ આવતી બંધ થઈ ગઈ છે
